Spread the love

આણંદ તાલુકાના નાપાડ વાંટાના એક રહેણાંક મકાનમાં ચાલતાં ગેરકાયદેસર કતલખાનામાં પોલીસે દરોડો પાડી, દંપતિ સહિત પાંચ કસાઈઓને ઝડપી લીધાં છે. પોલીસે તેમની પાસેથી 23 કિલો ગૌમાંસ, 45 કિલો ચરબી, 3 જોડ શિંગડા, 7 જીવીત ગાય તેમજ હથિયારો ઉપરાંત ત્રણ કાર, એક બાઈક અને એક્ટિવા મળી કુલ રૂપિયા 10,75,200 નો મુદ્દામાલ જપ્ત કરી, કાર્યવાહી હાથ ધરી છે.

ગૌમાંસનો જથ્થો, હથિયારો અને સાત જીવીત ગાયો મળી
આણંદ તાલુકાના નાપાડ વાંટામાં આવેલ મુળાસીમ કાનાકુવા વિસ્તારમાં રહેતાં અબ્દુલખાન ગગુભા રાઠોડ પોતાના મકાનમાં જ ગાયની કતલ કરી, તેનું માંસ વેચાણ અર્થે બહાર મોકલાવતો હોવાની બાતમી આણંદ રૂરલ પોલીસને મળી હતી. જેથી પોલીસની ટીમે તુરંત જ બાતમી મુજબના મકાનમાં દરોડો પાડ્યો હતો. તે વખતે મકાન માલિક અબ્દુલખાન ગગુભા રાઠોડ, તેની પત્નિ રોશનબેન અબ્દુલખાન રાઠોડ (બંને રહે. મુળાસીમ કાનાકુવા, નાપાડવાંટા, તા.જી.આણંદ) તેમજ સકિલભાઇ સફીભાઈ કુરેશી, મોસિનભાઇ મહેબુબભાઇ કુરેશી અને જીલાનીભાઈ સફીભાઈ કુરેશી (ત્રણેય રહે. હિકમશાબવાની દરગાહ પાસે, ઇદગાહ ફળીયુ, નાપાડવાંટા તા.જી.આણંદ) છરા ઘસી તેની ધાર કાઢી રહ્યાં હતાં. જેથી, પોલીસે આ પાંચેયની અટકાયત કરી હતી. જે બાદ પોલીસે આ મકાનની તલાશી લેતાં કુલ 23.5 કિલો ગૌમાંસ, 45 કિલો ગાયની ચરબી, 3 જોડ કપાયેલાં શિંગડા ઉપરાંત વજનકાંટા, દોરડા અને ગાયની કતલ કરવા માટેના હથિયારો મળી આવ્યાં હતાં. જ્યારે, મકાનની બહાર ખુલ્લી જગ્યામાં સાત ગાયોને ટુંકા દોરડા વડે ક્રુરતાપૂર્વક બાંધેલી હતી.

પાંચેયે ભેગાં મળીને ગાયોની કતલ કરી હોવાની કબુલાત
પોલીસે પકડાયેલા પાંચેયની પુછપરછ કરતાં તેઓએ સાથે મળીને ગાયોની કતલ કરી હોવાનું તેમજ આ માંસ, ચરબી અને શિંગડા તે કતલ કરેલી ગાયોના જ હોવાની કબુલાત કરી હતી. પરંતુ, ઘરની બહાર બાંધેલી સાત જીવીત ગાયોની માલિકી બાબતે સંતોષકારક જવાબ આપ્યો ન હતો.

માંસની હેરાફેરી માટે 3 કાર રાખી હતી
આ મકાનની બહાર ત્રણ કાર, એક એક્ટિવા અને એક બાઈક પાર્ક કરેલાં હતાં. આ વાહનો અંગે પોલીસે પુછપરછ કરતાં આ ત્રણેય કાર માંસની હેરાફેરી માટે, તેમજ બંને દ્રિચક્રી વાહનો માણસોને લાવવા-મુકવા માટે અને ગાયોની શોધખોળ માટે રાખ્યાં હોવાનું કબુલ્યું હતું.

પોલીસે 10.75 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
​​​​​​​
પોલીસે ટ્રાવેરા ગાડી નંબર કિંમત રૂપિયા 3.50 લાખ, વેરીટો ગાડી કિંમત રૂપિયા 3.20 લાખ, ઈકો ગાડી કિંમત રૂપિયા 3.45 લાખ એક્ટિવા કિંમત રૂપિયા 15 હજાર, સ્પ્લેન્ડર બાઇક કિંમત રૂપિયા 30 હજાર, ત્રણ મોબાઈલ કિંમત રૂપિયા 5500, ગૌમાંસ કિંમત રૂપિયા 2350, ગાયની ચરબી કિંમત રૂપિયા 4500, હથિયારો કિંમત રૂપિયા 2850 મળી કુલ રૂપિયા 10,75,200 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ ત્યાંથી મળી આવેલ જીવીત પશુઓને દેખભાળ અને સારસંભાળ માટે અમદાવાદની પાંજરાપોળમાં મોકલી આપ્યાં હતાં.

કસાઈઓ વિરૂધ્ધ પ્રાણીક્રુરતા પ્રતિબંધનો ગુનો નોંધાયો
આણંદ રૂરલ પોલીસે પકડાયેલાં અબ્દુલખાન ગગુભા રાઠોડ, રોશનબેન અબ્દુલખાન રાઠોડ (બંને રહે. મુળાસીમ કાનાકુવા, નાપાડવાંટા, તા.જી.આણંદ) તેમજ સકિલભાઇ સફીભાઈ કુરેશી, મોસિનભાઇ મહેબુબભાઇ કુરેશી અને જીલાનીભાઈ સફીભાઈ કુરેશી (ત્રણેય રહે. હિકમશાબવાની દરગાહ પાસે, ઇદગાહ ફળીયુ, નાપાડવાંટા તા.જી.આણંદ) વિરૂધ્ધ ઇ.પી.કો કલમ 429, પશુઓ પ્રત્યે ક્રુરતા પ્રતિબંધ અધિનિયમ 1960 ની કલમ 11(1)(એ), 11(1)(એફ), 1(1)(જી), 11(1)(એચ), 11(1)(કે) તથા પ્રાણીસંરક્ષણ અધિનિયમ 1954 ની કલમ 5(1), 5(1)(11એ)(એ), 6(બી)(1), 6(બી)(2),10 તથા ગુજરાત પ્રાણી સંરક્ષણ સુધારા અધિનિયમ 2017 ની કલમ 8(2) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *