Spread the love

શહેરમાં 2 વર્ષ પહેલાં સાળા અને બનેવી ભાગીદારીમાં વ્યવસાય કરતા હતા. કોઇક કારણસર સાળા-બનેવી વચ્ચે ધંધા બાબતે ઝઘડો થતાં સંબંધોમાં તિરાડ પડી ગઇ હતી. સાળાએ ધંધામાં દગો કર્યો હોવાની વાત બનેવીના મનમાં પેસી ગઇ હતી. જે બાદ તેણે ઘરમાં પત્ની સાથે ઝઘડા શરૂ કરી ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું. ભાઇ સાથે ધંધાને કારણે ઝઘડો થતાં તેનો બદલો પતિ લઇ રહ્યા હોઇ પત્ની ત્રાસીને દીકરીના ઘરે રહેવા જતી રહી હતી. જોકે તે પછી પણ પતિએ ત્રાસ આપવાનું ચાલુ રાખતાં પત્નીએ અભયમની મદદ લીધી હતી.

બનાવની વિગત એવી છે કે, બનેવીએ સાળા સાથે ભાગીદારીમાં વ્યવસાય શરૂ કર્યો હતો. વ્યવસાય સારો ચાલતો હતો. જોકે 2 વર્ષ પહેલાં બનેવી અને સાળા વચ્ચે ધંધાકીય બાબતે ઝઘડો થયો હતો. જેમાં બંનેએ એકબીજા પર આક્ષેપો કર્યા હતા અને બંને ભાગીદારીના ધંધામાંથી અલગ થઇ ગયા હતા. જોકે બનેવીના મનમાં તેના સાળાએ દગો કર્યો છે તેવી વાત પેસી ગઈ હતી. સાળા સાથે ઝઘડો થયા બાદ બનેવીએ તેનો બદલો પત્ની સાથે લેવાનું શરૂ કરી દીધું હતું.

તે રોજ દારૂનો નશો કરી આવતો હતો અને પત્ની સાથે મારઝૂડ કરી ત્રાસ ગુજારતો હતો. છેવટે પત્નીએ કંટાળી 181 અભયમનો સંપર્ક કર્યો હતો. જેને પગલે અભયમની ટીમ મહિલાના ઘરે પહોંચી હતી. જ્યાં બંને પક્ષની વિગત મેળવી મહિલાના પતિને સમજાવ્યો હતો કે, ધંધા કે રોજગારીના કામથી પત્નીને દૂર રાખવી અને ધંધા બાબતે પત્નીના ભાઈ સાથે ઝઘડો થયો હોય તેમાં પત્નીનો વાંક નથી. તેની સાથે ગાળાગાળી કે ઝઘડા ન કરવા અને શાંતિપૂર્વક રહેવું. નશો કરવાથી સ્વાસ્થ્ય અને સંબંધો બગડે છે. જે બાદ પતિએ ઝઘડો ન કરવાની ખાતરી આપી હતી.

દીકરીની ડિલિવરી સમયે પણ પતિ ત્રાસ ગુજારતો
પતિથી ત્રસ્ત થઇ પત્ની પિયર જતી રહી હતી. દરમિયાન પતિ જ્યાં રહે છે, તે વિસ્તારમાં રહેતી પરિણીત દીકરીની ડિલિવરી થતાં તેની દેખભાળ રાખવા તે પરત પતિના ઘરે આવી ગઇ હતી. પત્ની દીકરીની દેખભાળ કરવા જતી હતી, જે પતિને પસંદ ન હતું. આથી પતિએ ફરી ત્રાસ આપવાનું શરૂ કરતાં પત્ની દીકરીના ઘરે રહેવા જતી રહી હતી.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *